માનવ જીવનમાં આવતી તકલીફોમાં માં પણ ભગવાન આપણી સાથેજ હોય છે. વાંચો એક મોટીવેશનલ વાર્તા..

#પ્રભુનાં_પગલાં 

એક વૃદ્ધ જીવતરની ઢળતી સંધ્યાએ વલોપાત કરતો - કરતો રાતે સૂતો. ઊંઘમાં તેને સપનું આવ્યું. સપનામાં તેણે પોતાની જીવનયાત્રા જોઈ . 

એક અસીમ મહાસાગર ઉપર નિઃસીમ આકાશ , અફાટ રેતીનો કિનારો અને કિનારાની રેતી પર પડ્યે આવતાં બે પગલાંનાં ચિહ્નો (નિશાન). 

વૃદ્ધ ખુશ થયો. તેણે વિચાર્યું : “ આ મારાં પગલાંનાં ચિહ્નો છે , મારી જીવનયાત્રા છે." ત્યાં તો પાસે ને પાસે બીજાં બે પગલાંનાં ચિહ્નો પડવાની શરૂઆત થઈ. 

વૃદ્ધને અત્યંત આનંદ થયો . તેને થયું : "જીવનની આ અવિરત યાત્રામાં હું એકલો નથી, ઈશ્વર પણ મારી સાથે જ છે. ઈશ્વરનાં પગલાં પણ સાથે ને સાથે પડતાં આવે છે . મને પ્રભુનો સંગાથ છે." 

વળી થોડી વારમાં વાતાવરણ બદલાયું. તોફાની પવનોના ઝંઝાવાત જાગ્યા. સાગર ગાંડોતૂર બની મંડ્યો માથાં પછાડવા. મુશળધાર વરસાદે જગતને ઝાંખું બનાવી દીધું. ચારેતરફ મંડ્યો અંધકાર પ્રસરવા. સામે દેખાતા દ્રશ્યને અંધકાર ગળી ગયો. ત્યાં અચાનક વીજળીના ઝબકારા શરૂ થયા અને ક્ષણ માટે આખું દેશ્ય ઝળાંહળાં થઈ ઊઠ્યુ. 

વૃદ્ધની દૃષ્ટિ પગલાંનાં ચિહ્નો પ૨ પડી, તોફાનમાં માત્ર બે જ પગલાંનાં ચિહ્નો હતાં. પાસેનાં બે પગલાંનાં ચિહ્નો અદ્રશ્ય બની ગયાં હતાં. 

વૃદ્ધે વલોપાત કર્યો :  "અરે , ઈશ્વર ! જ્યારે મારા પર દુઃખોના ડુંગર તૂટી પડ્યા , જ્યારે મારી કસોટીનો કાળ હતો , જ્યારે મારો યાતનાનો સમય હતો , ત્યારે જ તે મારો સાથ છોડી દીધો ?" 

ત્યારે આકાશવાણી સંભળાઇ ઈશ્વરે કહ્યું : “ હે માનવ ! મેં તને ચાહ્યો છે , એટલે હું તને છોડી ન શકું. તારા દુ:ખના સમયે તું તો બેભાન બની ગયો હતો. મેં તને ખભા પર ઊંચકી લીધો હતો. તું જે બે પગલાંનાં ચિહ્નો જોતો હતો તે તારાં નહોતાં , એ તો મારાં હતાં."
               
                  ✾✾✾✾✾✾✾✾✾✾✾

Post a Comment

વધુ નવું વધુ જૂનું